ફરી એકવાર તેજ ગતિથી હૃદય ધબક્યું,
આજ મારા મનને યાદોએ રત્નોથી જડ્યું.
અનંત એકાંતમાં હતું કદાચ એટલે લપસ્યું,
અંતરના આંગણેથી એક સ્મરણ વિખૂટું પડ્યું !
ક્યારેક બાળપણની સ્મૃતિઓ વચ્ચે પટકાયું,
ક્યારેક સપનાની સાંકળ વચ્ચે મલકાયું.
કેટલીક અણધારી વાતો વચ્ચે એ ફસાયું,
વિખરાતી પળોના પ્રકાશ વચ્ચે એ દેખાયું !
સંસ્મરણોના સમુદ્રમાં સર્જાયેલી લહેરો વચ્ચે,
ઉલ્લાસથી ઊછળતું એક સ્મરણ ખોવાયું !
ફરી એકવાર તેજ ગતિથી હૃદય ધબક્યું,
અંતરના આંગણેથી એક સ્મરણ વિખૂટું પડ્યું !
~ યાજ્ઞિક રાવલ ✍🏻