આથમતાં અજવાળે ઊગતો ઉજાસ…!

  

શમણાંઓ લઈને આમતેમ ભટકતાં રહ્યાં,
વર્ષ વીત્યું, ને પૂર્ણતાને પામવા મથતાં રહ્યાં !
નનામી લઈને નીકળ્યો છે સમય સાતતાળી દેવા,
સજાવો,શણગારો સપનાઓ,વર્ષો વીતતાં રહ્યાં !
~ યાજ્ઞિક રાવલ

આજે આપણે વર્ષ 2025ની સીમાએ ઊભા છીએ અને નવા વર્ષની સરહદ બિલકુલ સામે જ છે ! એક વર્ષ આથમી રહ્યું છે અને નવા વર્ષનો ઉજાસ તેજ ગતિથી આપણી તરફ આવી રહ્યો છે. તો ચાલો, આજે વાત કરીએ "આથમતાં અજવાળે ઊગતા ઉજાસની !"

આમ તો સમય દરેક માટે એકસમાન વહે છે, પણ જ્યારે "વર્ષ કેવું વીત્યું?" એવો પ્રશ્ન પૂછીએ, ત્યારે એ એકસમાન લાગતું વર્ષ દરેક માટે અલગ બની જાય છે ! કોઈના માટે 2025 સંઘર્ષની વાર્તા છે, તો કોઈના માટે સફળતાનું શિખર. કોઈના માટે સંવેદનાની સરવાણી, તો કોઈના માટે સંશયના વાદળો. પણ સત્ય તો એ છે કે વર્ષ ગમે તેવું વીત્યું હોય, આપણને કંઈક 'આપીને' જ ગયું છે. 2025માં મળેલી નિષ્ફળતાએ કદાચ સફળતા સુધીનો માર્ગ વધુ સરળ અને સ્પષ્ટ કરી આપ્યો છે.

2025 એ મને જે કંઈ પણ આપ્યું છે, તેને જો ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે — આ વર્ષ મને આત્મઘડતરના અજવાળામાં લઈ આવ્યું !

હવે વાત આથમતાં અજવાળામાં ઊગતા ઉજાસની ! એટલે કે, આવનારા વર્ષ 2026 ની.

આવનારું વર્ષ 2026 આપણા બધાથી અપરિચિત છે,અને આપણે પણ એનાથી અજાણ છીએ. મનમાં પ્રશ્ન જરૂર થાય છે કે , કેવું હશે એ વર્ષ ? અને આપણા માટે કેવું રહેશે ? 
જેમ નદીઓનું પાણી સમુદ્રમાં ભળી જાય છે, તેમ આ વર્ષ પણ સમયનો જ સૂચક છે. વર્ષ માત્ર સમયનો એક ટુકડો છે. 

  કૅલેન્ડર બદલાયું છે, પરંતુ સમયે સરેન્ડર નથી કર્યું અને આપણે પણ નહીં ! જૂની વાતો કે જે આપણને અસ્થિર કરે છે તેને 2025ના અંધકારમાં છોડી દઈએ અને વર્ષ 2026ની સીમમાં પ્રવેશ કરીએ. શું તમે તૈયાર છો આથમતાં અજવાળામાં ઊગતા ઉજાસને માણવા ?


આથમતાં અજવાળે,નવો દેખાય છે ઉજાસ,
સફળતા જ મળશે નવવર્ષમાં,એવો છે વિશ્વાસ.
છોડ તને વ્યથિત કરતી વાતોને અંધકારમાં,
ચાલ, આથમતાં અજવાળે ઊગતા ઉજાસમાં !
~ યાજ્ઞિક રાવલ






About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment